કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ શાપર ગામે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત લોકોને મળ્યા
કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ શાપર ગામે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત લોકોને મળ્યા
રેસ્ક્યૂ બાદ સુરક્ષિત આશ્રય સ્થાન મળવા બદલ સરકાર, આર્મીના જવાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતાં ૭૬ જેટલા આશ્રિતો
પૂરની સ્થિતિમાં ખેડૂતો અને અસરગ્રસ્તોની રજૂઆતો અંગે મંત્રીશ્રીએ સકારાત્મકતા દર્શાવી
જામનગર જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલા અતિભારે વરસાદના પરિણામે જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું હતું. જામનગર તાલુકાના શાપર ગામે વાડી વિસ્તારમાં ૭૬ જેટલા લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા. ચારેબાજુ પાણી હોવાથી ખેતમજૂરો બહાર નીકળી શકે તેમ ન હોય આગેવાનો દ્વારા જિલ્લા વહીવટી તંત્રની અને ગ્રામજનોની મદદથી ૧ સગર્ભા, ૪૦ જેટલા બાળકો સહિત ૭૬ લોકોનું સફળ રીતે રેસ્ક્યૂ કરી સુરક્ષિત આશ્રય સ્થાન આપવામાં આવ્યું છે.
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ શાપર ગામે રેસ્ક્યૂ કરાયેલા લોકો અને ગ્રામજનોની મુલાકાતે પહોંચ્યા હતા. અને તેઓના ખબર અંતર પૂછ્યા હતા. ગામના આગેવાનો દ્વારા કુદરતી આફતની સ્થિતિમાં અસરગ્રસ્તોની મદદ કરવામાં આવી રહી છે. તે બદલ મંત્રીશ્રીએ તમામને અભિનંદન પાઠવ્યા હતા.
પાણીના પ્રવાહના લીધે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાની અને રસ્તાઓનું ધોવાણ થઈ ગયું હોય તેમજ ખેડૂતોના ખેતરમાં નુકશાની સર્જાઇ હોય તેઓની રજૂઆતો સાંભળી સકારાત્મક રીતે કાર્યવાહી કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. રેસ્ક્યૂ કરાયેલા લોકો હાલ સલામત જગ્યાએ હોવાથી તેઓએ ગામના અગ્રણીશ્રીઓ, આર્મીના જવાનો, તંત્ર અને પદાધિકારીશ્રીઓ સહિત તેમના ખબર અંતર પૂછવા પહોંચેલા કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન આગેવાનો સર્વશ્રી મુકુન્દભાઈ સભાયા, કુમારપાળસિંહ રાણા, દિલીપસિંહ, વિઠલભાઈ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment