જામનગર આરોગ્ય વિભાગે અતિવૃષ્ટિ વચ્ચે ૮૨ સગર્ભાઓની સફળ રીતે પ્રસૂતિ કરાવી
જામનગર આરોગ્ય વિભાગે અતિવૃષ્ટિ વચ્ચે ૮૨ સગર્ભાઓની સફળ રીતે પ્રસૂતિ કરાવી
તકેદારીના ભાગરૂપે ૨૨૫ સગર્ભાઓનું નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સુરક્ષિત સ્થળાંતર કરાયું હતું
ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે જિલ્લાના ૩૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૯ સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા ૨૧૦ પેટા આરોગ્ય કેન્દ્રો ચોવીસ કલાક ચાલુ રાખી લોકોને સારવાર આપવામાં આવી
જામનગર તા.૩૧ ઓગસ્ટ, જામનગર જિલ્લામાં ચાલુ સપ્તાહે અતિભારે વરસાદના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.એચ.એચ.ભાયાના માર્ગદર્શન હેઠળ જેની ડીલીવરી તારીખ નજીક છે તેવી સગર્ભાઓને નજીકનાં આરોગ્યકેન્દ્ર, હોસ્પિટલ અને સલામત આશ્રયસ્થાને ખસેડવામાં આવ્યા હતા. સમયસૂચકતા વાપરી તંત્રના સહયોગથી જામનગર જિલ્લાની ૨૨૫ સગર્ભાઓનું નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જે પૈકી ૮૨ સગર્ભાઓની સફળ રીતે પ્રસૂતિ કરાવવામાં આવી છે.
જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા વહીવટી તંત્ર દ્વારા અતિ ભારે વરસાદના લીધે પુરગ્રસ્ત સ્થિતિને પહોચી વળવા માટે ૩૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૯ સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા ૨૧૦ પેટા આરોગ્ય કેન્દ્રો ચોવીસ કલાક ચાલુ રાખી લોકોને પ્રાથમિક તથા રેફરલ સુવિધા પૂરી પાડવામાં આવી હતી. જેમાં તાવ, ઝાડા, શરદી ઉધરસ, બીપી વગેરે રોગોની સારવાર,સુવિધા અને ઈમરજન્સી સેવાઓ પુરી પાડવામાં આવી હતી.
ગઇકાલે જ લાલપુર તાલુકાના ભણગોર ગામે રહેતા મૂળ મધ્યપ્રદેશથી ખેત મજુરી અર્થે આવેલ જ્યોતિબેન મુકેશભાઈ બારિયા નામના સગર્ભાને દુખાવો ઊપડતાં રાત્રે ૨:૩૦ કલાકે આરોગ્ય કેન્દ્ર ભણગોરની ટીમ દ્વારા તેઓની નોર્મલ પ્રસૂતિ કરાવવામાં આવી હતી. જે બદલ તેમના પરિવારજનોએ સરકાર અને આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
જિલ્લા કલેકટરશ્રી બી. કે. પંડયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ તથા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું દ્વારા આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
Comments
Post a Comment